Agriculture News : ખૂબ જ ઓછું ભણતર છતાં આત્મવિશ્વાસ સાથે ગજબની કોઠાસૂઝ ધરાવતા પ્રગતિશીલ ખેડૂત રમેશભાઈ રૂપારેલીયા 300 કરતાં વધુ દેશી ગીર ગાયોનું સંવર્ધન કરી ખેતી ઉપરાંત મુખ્યત્વે પંચગવ્યમાંથી વિવિધ 300 જાતની પ્રોડક્ટનું નિર્માણ કરી, સીધા જ ગ્રાહકોને સાંકળીને, દેશ-વિદેશમાં તેની નિકાસ કરે છે.
તેઓએ મૂલ્યવર્ધન ઉપરાંત જીવાત-નિયંત્રણ માટે પણ અનેક પ્રયોગો કરીને તેમાં સફળતા મેળવી છે. તેમણે સિદ્ધ કરી બતાવ્યું છે કે, પૂરતી સમજણ અને ઔષધીય ગુણોને સમજીને એ ઔષધીઓમાંથી જ જો પ્રાકૃતિક દ્રવ્યો બનાવવામાં આવે તો રોગ-જીવાત નિયંત્રણ માટે આવાં દ્રવ્યો રામબાણ ઈલાજ તરીકે કામ કરે છે.
રાજકોટ જિલ્લાના ગોંડલ ગામના રમેશભાઈ રૂપારેલીયાએ ગૌ સંવર્ઘન અને મૂલ્યવર્ધન ઉપરાંત રોગ-જીવાત નિયંત્રણ દ્રવ્યો તૈયાર કરીને આસપાસના વિસ્તારોમાં પોતાની આગવી ઓળખ પ્રસ્થાપિત કરી છે.

