Jamanagr Congress : જામનગર મહાનગરપાલિકાની કચેરીમાં વિરોધ પક્ષના કાર્યાલય પાસે આજે શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજાની આગેવાનીમાં કોંગી કાર્યકરો અને કોર્પોરેટર વગેરેએ નવતર પ્રકારે વિરોધ પ્રદર્શન કર્યું હતું, અને ભાજપના રાજમાં ચાલી રહેલા ભ્રષ્ટાચારના મુદ્દે જાહેરમાં હવન કરીને ભ્રષ્ટાચાર નાબૂદ કરવા માટે આહુતી આપી હતી. જોકે ત્યારબાદ પોલીસ ટુકડી દોડી ગઈ હતી, અને તમામને વિખુટા પાડ્યા હતા.
જામનગર શહેર કોંગ્રેસના પ્રમુખ દીગુભા જાડેજા, તેમજ વિરોધ પક્ષના નેતા ધવલ નંદાની રાહબરી હેઠળ કોંગ્રેસના કાર્યકરો હાથમાં બેનર પોસ્ટર સાથે જોડાયા હતા, અને ભય ભૂખ અને ભ્રષ્ટાચાર ભાજપના રાજમાં ફુલ્યો ફાલ્યો છે. ‘કચરા ઉપાડવામાં ભાજપનો ભ્રષ્ટાચાર’, ‘ભૂગર્ભમાં ભાજપ તારો ભ્રષ્ટાચાર’, ‘ટેન્ડર પ્રક્રિયામાં ભાજપનું ઇલુ ઇલુ’ સહિતના અલગ અલગ પોસ્ટરો દર્શાવીને વિરોધ કર્યો હતો.


