Agriculture News : ભલે નેવાનાં પાણી મોભે ચઢાવવા જેવો સંઘર્ષ થાય, પણ મારે મારી જમીન બચાવવી છે. આવા નિશ્ચય સાથે પ્રાકૃતિક ખેતીમાં આગળ વધી રહેલાં બનાસકાંઠા જિલ્લાના ડિસા તાલુકાનાં દામા ગામના દલપતભાઈ રેવાજી માળી, છેલ્લા છ વર્ષથી પોતાની ત્રણ વીઘા જમીનમાં પ્રાકૃતિક ખેતી અપનાવીને એક ખેડૂત તરીકે, પ્રાકૃતિક જણસીનું આસપાસ યોગ્ય બજાર ન હોવા છતાં, સતત યોગ્ય બજાર ઊભું કરવામાં પ્રયત્નશીલ રહીને પ્રાકૃતિક ખેતીને વળગી રહ્યાં છે.
તેઓ શિયાળામાં બટાકા, ચોમાસામાં મગફળી, શાકભાજી અને ઉનાળામાં બાજરીનું વાવેતર કરે છે. તેમની આસપાસના ખેડૂતો જ્યાં રાસાયણિક ખાતર અને દવાઓ વાપરે છે, ત્યાં દલપતભાઈ સંપૂર્ણપણે પ્રાકૃતિક પદ્ધતિનાં વિવિધ આયામો પર આધાર રાખે છે.

