• જંતુનાશકોના વધુ પડતા ઉપયોગના ચિંતાજનક સંકેતો હવે ગુજરાતમાં પણ દેખાઈ રહ્યા છે
• શાકભાજી અને ખાદ્યાન્ન કૃષિ પેદાશો માટે જંતુનાશક દવાઓ સંબંધી કૃષિ માર્ગદર્શન ઉપલબ્ધ છે ત્યારે તેના ઉપયોગ દ્વારા ખેતી પાક, માનવીય સ્વાસ્થ્ય અને પર્યાવરણ સંરક્ષણનો હેતુ સાકાર થશે
Agricultural News : ખેતીની ખરીફ સિઝન હોય કે રવી સિઝન, ખેતરોમાં લીલોછમ્મ પાક લહેરાતો હોય અને હવે દર વર્ષે ખેડૂત માટે આવા લહેરાતા પાક વચ્ચે સૌથી મોટી ચિંતાનો વિષય હોય તો એ જ કે અચાનક આવી ચડેલી જીવાત અને તેના ઉપદ્રવને નિયંત્રિત કરવી કઈ રીતે ? જ્યારે આવો પ્રશ્ન સતાવે ત્યારે સ્વાભાવિક રીતે જ ખેડૂત જંતુનાશક દવાઓ વેચતા વહેપારીઓ પાસે પહોંચી જાય અને પોતાના અનુભવ પ્રમાણે કોઈ દવા માંગે અથવા તો વહેપારી કોઈ દવા આપી દે એટલે તેનું કામ પત્યું.
ખેતરોમાં પહોંચીને લહેરાતા પાકને બચાવી લેવાના આશય સાથે આવી દવાઓનો મનફાવતો ઉપયોગ કરીને જીવાતના ઉપદ્રવને કાબૂમાં લેવાનો પ્રયાસ કરે. દવાના છંટકાવ પછી પણ પ્રશ્ન તો પાછો એ જ રહે કે જીવાતોનું નિયંત્રણ થયું કે કેમ ? મોટાભાગે એવું બનતું હોય છે કે આવી જાત-જાતની મોંઘીદાટ દવાઓ પાછળ ખર્ચ કર્યા પછી પણ જીવાતોનો ઉપદ્રવ ઘટવાના બદલે વર્ષોવર્ષ વઘતો જ જાય છે.

